2024 ભારતમાં સૌથી ગરમ વર્ષોમાંનું એક હતું, પરંતુ આ વર્ષે ગરમી વધુ તીવ્ર હોઈ શકે છે. એપ્રિલની શરૂઆતમાં જ હીટવેવ શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે ગુજરાતને રેડ એલર્ટ પર રાખ્યું છે અને કહ્યું છે કે ઉત્તર ભારતનાં ઘણાં રાજ્યોમાં ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા
.
શું 2025ની ગરમી 2024નો રેકોર્ડ તોડશે, શા માટે તીવ્ર ગરમીની શક્યતા છે અને દેશના કયા વિસ્તારોમાં હીટવેવનું સૌથી વધુ જોખમ છે, આજના એક્સપ્લેનરમાં જાણીશું...
સવાલ-1: આગામી થોડા દિવસોમાં કયા વિસ્તારોમાં પારો વધશે? જવાબ: ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDએ આગામી 4 દિવસના હવામાન માટે ત્રણ શ્રેણીઓમાં ચેતવણી જારી કરી છે-
રેડ એલર્ટ: ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 6થી 10 એપ્રિલ સુધી ગરમીનું મોજું ચાલુ રહેશે. 6 અને 7 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તીવ્ર ગરમીનું મોજું રહેશે. ગરમીને કારણે કટોકટીની સ્થિતિને રોકવા માટે સ્થાનિક તંત્રએ જરૂરી પગલાં લેવાં જોઈએ.
ઓરેન્જ એલર્ટ: રાજસ્થાનમાં 6થી 10 એપ્રિલ સુધી ગરમીનું મોજું ચાલુ રહેશે. 7થી 9 એપ્રિલ દરમિયાન કેટલાક વિસ્તારોમાં તીવ્ર ગરમીનું મોજું રહેશે. IMDએ કહ્યું છે કે જો પરિસ્થિતિ વધુ વણસે તો અધિકારીઓએ પગલાં લેવા માટે તૈયાર રહેવું જોઈએ.
યલો એલર્ટ: હિમાચલ પ્રદેશમાં 6થી 7 એપ્રિલ, હરિયાણા અને ચંદીગઢમાં 6થી 10 એપ્રિલ, પંજાબમાં 7થી 10 એપ્રિલ, દિલ્હીમાં 7 અને 8 એપ્રિલ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 7થી 9 એપ્રિલ અને મધ્ય પ્રદેશમાં 8થી 10 એપ્રિલ સુધી ગરમીનું મોજું રહેશે.
IMD અનુસાર, 5 એપ્રિલે હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમીનું મોજું હતું.
સવાલ-2: એપ્રિલથી જ હીટવેવની શરૂઆત, તો મે-જૂનમાં શું થશે? જવાબ: માર્ચના અંતમાં જ હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વર્ષે દેશના ઉત્તર-પશ્ચિમ રાજ્યો એટલે કે હરિયાણા, પંજાબ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, દિલ્હીમાં હીટવેવ (લૂ)ના દિવસોની સંખ્યા બમણી થવાની શક્યતા છે. સામાન્ય રીતે એપ્રિલથી જૂનના મહિનાઓમાં સતત 5-6 દિવસ લૂ ચાલે છે, પરંતુ આ વખતે 10થી 12 દિવસના આવા ઘણા તબક્કા આવી શકે છે.
જોકે, હવામાન વિભાગે એ માહિતી આપી નથી કે આ વર્ષે હીટવેવની અસર કેટલા દિવસ રહેશે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો હીટવેવના દિવસોની સંખ્યા બમણી થાય છે તો 2025 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ હશે. આવી સ્થિતિમાં તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી કે તેનાથી પણ વધુ રહી શકે છે.
સવાલ-3: હીટવેવ શું છે અને ઉનાળામાં તેની આટલી ચર્ચા કેમ થાય છે? જવાબ: IMDના હવામાન વૈજ્ઞાનિક આર.કે. જેનામનીના જણાવ્યા અનુસાર, જ્યારે કોઈ વિસ્તારમાં તાપમાન સામાન્ય કરતાં વધુ થઈ જાય અને ત્યાં તેજ લૂ ચાલવા લાગે તો તેને હીટવેવ માનવામાં આવે છે. હીટવેવ માટેનું નિશ્ચિત તાપમાન અલગ-અલગ દેશો માટે અલગ-અલગ હોઈ શકે છે.
વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WMO) અનુસાર, હીટવેવ ત્યારે માનવામાં આવે છે જ્યારે કોઈ વિસ્તારનું મહત્તમ તાપમાન સતત 5 કે વધુ દિવસો સુધી તે વિસ્તારના સરેરાશ મહત્તમ તાપમાન કરતાં ઓછામાં ઓછું 5 ડિગ્રી સેલ્સિયસ વધુ રહે.
IMD અનુસાર, સામાન્ય રીતે દેશમાં હીટવેવ ત્યારે ચાલે છે જ્યારે મેદાની વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ, દરિયાકાંઠાના વિસ્તારોમાં 37 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં 30 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધુ થઈ જાય.
કોઈ ક્ષેત્રમાં તાપમાન, સામાન્ય કરતાં 4.5 ડિગ્રી સેલ્સિયસ વધુ હોવા પર હીટવેવ અને 6.4 ડિગ્રી સેલ્સિયસ વધુ હોવા પર સિવિયર હીટવેવ કહેવાય છે.
હીટવેવ ડેની 'સામાન્ય સંખ્યા' દરેક રાજ્યમાં અલગ-અલગ હોય છે. ઉદાહરણ તરીકે, રાજસ્થાનમાં ગરમીની ઋતુમાં વાર્ષિક 8થી 12 હીટવેવ ડે સામાન્ય માનવામાં આવે છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં સામાન્ય રીતે 10થી 12 હીટવેવ ડે હોય છે. જોકે 2024માં પૂર્વી રાજસ્થાનમાં 23 અને પશ્ચિમી રાજસ્થાનમાં 29 હીટવેવવાળા દિવસો હતા. જ્યારે યુપીમાં ગયા વર્ષે 32 દિવસ હીટવેવ ચાલી હતી.
સવાલ-4: હીટવેવથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યો કયાં છે, આ વખતે કેટલા દિવસ હીટવેવ ચાલશે? જવાબ: હવામાન વિભાગે દેશનાં 13 રાજ્યોને 'હીટવેવ પ્રોન સ્ટેટ' માન્યાં છે. આ યાદીમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્રમાં વિદર્ભ, ગંગાના કિનારે આવેલા પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, દરિયાકાંઠાનું આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સામેલ છે.
સામાન્ય રીતે કોર હીટવેવ ઝોન એટલે કે CHZમાં માર્ચથી જૂન સુધી ભીષણ ગરમી પડે છે. ઘણી વખત જુલાઈ મહિનામાં પણ હીટવેવ અને લૂ ચાલવાની શક્યતા રહે છે. 2024માં એપ્રિલમાં જ હીટવેવનો રેકોર્ડ તૂટી ગયો હતો.
આ વખતે IMDએ કહ્યું છે કે એપ્રિલથી જૂન સુધી 2025 સુધીમાં લગભગ આખા ઉત્તર, મધ્ય અને પૂર્વી ભારતમાં સામાન્ય કરતાં વધુ હીટવેવવાળા દિવસો હોઈ શકે છે. દેશના દૂર દક્ષિણના વિસ્તારો, ઉત્તર-પૂર્વનાં રાજ્યો, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં જ હીટવેવ ન આવવાની આશા છે.
સવાલ-5: શું દર વર્ષે હીટવેવના દિવસો વધી રહ્યા છે? જવાબ: ઘણા અભ્યાસો કહે છે કે ભારતમાં હીટવેવના દિવસો અને તેની તીવ્રતા વધી રહી છે. પૂણેના ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન વિજ્ઞાન સંસ્થાનના એક અભ્યાસ મુજબ, વર્ષ 2000 પછીથી દેશના મોટાભાગના વિસ્તારોમાં દર દસ વર્ષે ત્રણ હીટવેવ ડે વધી રહ્યા છે. આની લોકોના સ્વાસ્થ્ય, ખેતી અને ઇકોસિસ્ટમ પર ખતરનાક અસર થાય છે.
2024નું વર્ષ ભારત અને આખી દુનિયા માટે સૌથી ગરમ વર્ષ હતું. આ વર્ષે ભારતમાં બધાં રાજ્યોમાં કુલ મળીને 554 દિવસ હીટવેવ ચાલી. ત્યારબાદ 2023 બીજું સૌથી ગરમ વર્ષ હતું, પરંતુ આ વર્ષે માત્ર 230 હીટવેવ ડે હતા.
સવાલ-6: 2025માં આટલી વધારે ગરમી કેમ પડી શકે છે? જવાબ: ભારતમાં હવામાનની આગાહી કરતી સંસ્થા સ્કાયમેટ વેધરના વાઈસ-પ્રેસિડેન્ટ મહેશ પલાવતના જણાવ્યા મુજબ, 'અરબી સમુદ્ર પર બનેલા એન્ટિસાઇક્લોનને કારણે રાજસ્થાન અને ગુજરાતની તરફ ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. આથી આ વિસ્તારોમાં ભયંકર ગરમી પડી શકે છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ હવામાન સૂકું રહેશે અને તીવ્ર ગરમી હશે.'
મહેશના જણાવ્યા મુજબ, 'આ વખતે ગરમી સમય કરતાં વહેલી શરૂ થઈ રહી છે. માર્ચમાં પણ હીટવેવ અનુભવાઈ છે, આ ગરમી અસામાન્ય છે.'
સવાલ-7: આ એન્ટિસાઇક્લોન શું છે, જેના કારણે ગરમી વધી ગઈ છે? જવાબ: IMDના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રના જણાવ્યા મુજબ, આખી દુનિયાનું હવામાન પવન અને સમુદ્રના પાણી પર આધાર રાખે છે. કેટલાક ભૌગોલિક મેકેનિઝમ હોય છે, જેનાથી વેધર ડેવલપમેન્ટ થાય છે. જેમ કે જો સમુદ્રના પાણી પરથી પસાર થઈને પવન ધરતી પર આવશે તો ઠંડો પવન પોતાની સાથે ભેજ લઈને આવશે, જેનાથી વરસાદ થશે.
ભારતમાં વેધર ડેવલપમેન્ટ માટે બે મુખ્ય બાબતો જવાબદાર હોય છે...
1. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: ભારતના પશ્ચિમમાં ભૂમધ્ય સમુદ્ર છે, ત્યાંથી તોફાની પવન ભેજ લઈને ગલ્ફ દેશો અને કાળા સમુદ્ર, કેસ્પિયન સમુદ્રમાંથી પસાર થઈને આપણા દેશ સુધી આવે છે, જેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહે છે. આ પવન ભારતમાં આવીને અહીંની વેધર પેટર્નને ડિસ્ટર્બ કરે છે, તેથી ડિસ્ટર્બન્સ શબ્દ જોડાયો. જેમ કે- ઠંડીની ઋતુમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તો વરસાદ કે હિમવર્ષા થવા લાગે છે. એક રીતે કહીએ તો કમોસમી વરસાદ માટે આ જ પવન જવાબદાર છે.
2. એન્ટિ સાઇક્લોન: IMD રાયપુરના હવામાન વૈજ્ઞાનિક ગાયત્રી વાણી કંચિભોટલાના જણાવ્યા મુજબ એન્ટિ સાઇક્લોન સક્રિય થવાનો અર્થ છે કે પવનની દિશા ઘડિયાળની દિશામાં થવી.
સામાન્ય રીતે આપણા દેશમાં સમુદ્રથી આવતા પવનોથી ઠંડક થાય છે, પરંતુ એન્ટિસાઇક્લોન સક્રિય થવાને કારણે બંગાળની ખાડીમાંથી પસાર થઈને દેશમાં આવતા ઠંડા પવનની દિશા બદલાઈ જાય છે, જ્યારે તેલંગાણા, છત્તીસગઢ અને બાકીનાં રાજ્યોના ગરમ પવનો ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રમાંથી પસાર થઈને સમુદ્ર તરફ વહેવા લાગે છે. આનાથી હીટ ટ્રેપ થઈ જાય છે અને સમુદ્રકિનારે વસેલા પ્રદેશો ગરમ થઈ જાય છે. આની સૌથી વધુ અસર ઓડિશા, આંધ્ર પ્રદેશ જેવાં રાજ્યોમાં થાય છે.
હવે તમે વિચારશો કે આ એન્ટિસાઇક્લોન સક્રિય કેમ થાય છે અને પવનની દિશા કેમ બદલાય છે? આનો જવાબ છે સમુદ્રના પાણીનું ગરમ કે ઠંડું થવું. પાણી ઠંડું રહેવાના સમયે જો ગ્લોબલ વોર્મિંગ કે બીજા કારણોસર પવન ગરમ થઈ ગયો તો પવનની દિશા બદલાઈ જાય છે.
2024નું વર્ષ ભારત માટે સૌથી ગરમ વર્ષ હતું, તેની પાછળ એન્ટિસાઇક્લોન અને અલ નીનો ઇફેક્ટને જવાબદાર ગણવામાં આવ્યા હતા.
સવાલ-8: શું 2025 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ હોઈ શકે છે? જવાબ: 10 જાન્યુઆરી 2025ના રોજ વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WMO)એ 6 આંતરરાષ્ટ્રીય ડેટાસેટના આધારે કહ્યું કે 2024 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહ્યું. આ વર્ષે તાપમાન 1850-1900 દરમિયાનના સરેરાશ તાપમાન કરતાં સૌથી વધુ 1.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું.
ત્યારબાદ ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ 15 જાન્યુઆરી, 2025ના રોજ જણાવ્યું હતું કે વર્ષ 2024 ભારતમાં અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહ્યું છે. IMDએ પોતાના વાર્ષિક અહેવાલમાં કહ્યું કે આ વર્ષે દેશમાં જમીનની સપાટી પર હવાનું સરેરાશ વાર્ષિક તાપમાન, 1991થી 2020 સુધીના સરેરાશ વાર્ષિક તાપમાન કરતાં 0.65 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. આ પહેલાં ભારતમાં 2016નું તાપમાન આ 220 વર્ષોના સરેરાશ તાપમાન કરતાં .54 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું.
જોકે IMDના વૈજ્ઞાનિક નરેશ કુમારના જણાવ્યા મુજબ, 'હાલમાં એ નથી કહી શકાતું કે 2025નું વર્ષ 2024ની સરખામણીમાં વધુ ગરમ રહેશે. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગરમી વધી રહી છે, પરંતુ 2025માં અમે હાલમાં એટલું જ કહી શકીએ છીએ કે દેશના દક્ષિણ-પશ્ચિમ અને પૂર્વના કેટલાક વિસ્તારોને બાદ કરતાં એપ્રિલથી જૂન સુધી આખા દેશમાં મહત્તમ તાપમાન, સામાન્ય કરતાં વધુ રહેશે.
IMDના હવામાન વૈજ્ઞાનિક આર.કે. જેનામની કહે છે, 'અમારી પાસે એવી કોઈ ટેક્નોલોજી નથી કે અમે હાલમાં એ કહી શકીએ કે 2025, 2024 કરતાં વધુ ગરમ વર્ષ હશે. જોકે દેશના કેટલાક ભાગોમાં અત્યારથી જ હીટવેવ શરૂ થઈ ગઈ છે.'
સવાલ-9: દર વર્ષે ગરમી કેમ વધતી જાય છે? જવાબ: છેલ્લાં ત્રણ વર્ષોમાં ગરમી વધવાનું સૌથી મોટું કારણ ક્લાઇમેટ ચેન્જને માનવામાં આવી રહ્યું છે. વર્લ્ડ વેધર એટ્રિબ્યુશન રિસર્ચ મુજબ, 2022 અને 2023ના માર્ચ-એપ્રિલમાં જે ગરમી પડી, તે પણ મોટાભાગે જળવાયુ પરિવર્તનને કારણે હતી. આ વખતે પણ ક્લાઇમેટ ચેન્જને કારણે તાપમાન વધવાની શક્યતા 45 ગણી વધી ગઈ છે.
એક અન્ય સંશોધન મુજબ 2025માં ગરમીનું એક કારણ 2023થી શરૂ થયેલી અલ નીનો અસર પણ છે. અલ નીનો ઇફેક્ટનો અર્થ છે કે પ્રશાંત મહાસાગરના કેટલાક ભાગોમાં પાણીનું સામાન્ય કરતાં વધુ ગરમ થઈ જવું. આનાથી સમુદ્રની સપાટી પણ ગરમ થઈ જાય છે જે ગરમ પવનો માટે જવાબદાર છે. અલ નીનોની સાઇકલની અસર આ વર્ષે જૂન સુધી રહી શકે છે.
જોકે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જલદી જ અલ નીનોની અસર નબળી પડવા લાગશે અને તેની જગ્યાએ લા નીનો ઇફેક્ટ શરૂ થઈ જશે. આનો અર્થ છે પ્રશાંત મહાસાગરમાં પાણીનું ઠંડું થઈ જવું. આ નિયમિત અંતરાલે નથી આવતું, પરંતુ જ્યારે આવે છે ત્યારે હવામાનમાં મોટા ફેરફારો લાવે છે. લા નીનો શરૂ થયા પછી ભારતમાં આ વર્ષે સારું ચોમાસું આવવાની સંભાવના છે.
સવાલ-10: શું તૈયારી કરીને ગરમીની અસર ઓછી કરી શકાય છે? જવાબ: સરકારી પ્રયાસોની વાત કરીએ તો 23 રાજ્યોમાં સ્થાનિક હીટ એક્શન પ્લાન બન્યા છે. આ અંતર્ગત જાહેર સ્થળોએ છાયા, પાણીની વ્યવસ્થા કરવી અને શાળા, કૉલેજ અને ઑફિસના સમયમાં ફેરફાર કરવા જેવી બાબતો સામેલ છે.
જોકે, કેટલાક તાજેતરના અભ્યાસો કહે છે, આ હીટ એક્શન પ્લાન્સને યોગ્ય રીતે લાગુ કરવામાં આવતા નથી. દિલ્હીના રિસર્ચ સેન્ટર 'સસ્ટેનેબલ ફ્યુચર્સ કોલેબોરેટિવ'ના અભ્યાસમાં એ પણ કહેવામાં આવ્યું કે સરકારો ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા અને ગરમી ઘટાડવા માટે શહેરોમાં હરિયાળી વધારવી, તળાવો અને જળાશયોની સ્થિતિ સુધારવા જેવા ટકાઉ ઉપાયો નથી કરી રહી.
હીટવેવની અસરને સંપૂર્ણપણે દૂર નથી કરી શકાતી, પરંતુ કેટલીક રીતો અપનાવીને તેને ઓછી કરી શકાય છે -
1. કૂલ રૂફનો ઉપયોગ: આનો અર્થ છે કે ઇમારતોની છત પર સોલર રિફ્લેક્ટિવ પેઇન્ટ વગેરેનો ઉપયોગ કરીને સૂર્યની ગરમીને પાછી પરાવર્તિત કરી શકાય છે. ભારતમાં અમદાવાદ, હૈદરાબાદ અને દિલ્હીમાં લોકો આ તકનીકને અપનાવી રહ્યા છે.
2. વધુમાં વધુ વૃક્ષો-છોડ વાવવાં: દુનિયાનાં ઘણાં શહેરોમાં જાપાનની મિયાવાકી તકનીકનો ઉપયોગ કરીને ઓછી જગ્યામાં ઝડપથી ઘાટાં જંગલો ઉગાડવામાં આવે છે. આનાથી શહેરોમાં હીટવેવની અસર ઓછી થાય છે.
Skip the extension — just come straight here.
We’ve built a fast, permanent tool you can bookmark and use anytime.
Go To Paywall Unblock Tool